અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો ફિટનેસ માટે રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસના જવાનોનો ફૂલ બોડી ચેકઅપ માટેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલ કેમ્પમાં 4 દિવસ સુધી 600થી વધુ ટ્રાફિક પોલીસના જવાનોનો રિપોર્ટ કરવામાં આવશે.
અમદાવાદ પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા DCP, ACP, PI, PSI સહિત 600 પોલીસકર્મીઓનો ફૂલ બોડી રિપોર્ટ કાઢવવામાં આવશે. બાપુનગરની સ્ટાર હોસ્પિટલ દ્વારા પોલીસના વિના મૂલ્યે અલગ અલગ રિપોર્ટ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજે 300થી વધુ પોલીસકર્મીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. બ્લડ કાઉન્ટ, યુરિન, લીવર, કોલસ્ટ્રોલ, હાર્ટ અને ઓબેસિટી ચકાસવા માટેના પોલીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
આ અંગે ટ્રાફિક પૂર્વના DCP સફિન હસને જણાવ્યું હતું કે પોલીસ જવાન 8 કલાક ઉભા રહીને ફરજ બજાવે છે. પોલીસકર્મીઓ માટે સ્ટાર હોસ્પિટલ દ્વારા રિપોર્ટ કઢાવવા પહેલ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ કેટલા ફિટ છે તે પણ જાણી શકાશે. કોઈ પોલીસકર્મીને તકલીફ હશે તો તેનો અમે સાથે મળીને ઈલાજ કરાવીશું.