ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી બાદ આજે પહેલીવાર ગૃહનું બજેટ સત્ર શરુ થયું હતું. બજેટ સત્રના પહેલા દિવસે કેટલાક ધારાસભ્યો પોતાની લક્ઝુરિયસ કારોમાં પહોંચ્યા હતા. જોકે, મોંઘીદાટ કાર્સની ભીડ વચ્ચે ટુ-વ્હીલર પર આવેલા એક ધારાસભ્યએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમાંય પાછા આ ધારાસભ્યએ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પર સવાર થઈને પર્યાવરણની રક્ષાનો પણ મેસેજ આપ્યો હતો. સચિવાલયના મેઈન ગેટથી ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરીને આવી રહેલા આ ધારાસભ્યને પહેલા તો કોઈ ઓળખી નહોતું શક્યું, પરંતુ તેઓ નજીક આવ્યા ત્યારે બધાને ખબર પડી હતી કે તેઓ બીજા કોઈ નહીં, પરંતુ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર હતા.
વિધાનસભા ચૂંટણી-2022 માં ભાજપે આ ચૂંટણીમાં વેજલપુર વિધાનસભા બેઠકના બે ટર્મના ધારાસભ્ય કિશોર મકવાણાની ટિકિટ કાપીને અમિત ઠાકરને મેદાનમાં ઉતાર્યા હતા, અને તેમની જંગી બહુમતિ સાથે જીત પણ થઈ હતી. અમિત ઠાકર ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા છે, પરંતુ તેમને વિધાનસભા ચૂંટણી લડવાનો મોકો છેક 2022માં મળ્યો હતો. તેઓ અમિત શાહના નજીકના પણ ગણાય છે. અમદાવાદ શહેરમાં આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જગદીશ વિશ્વકર્મા અને ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી.