ગાંધીનગર : અનધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આજે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું જે પસાર થઈ ગયું છે. ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી મુદે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કર્યો છે.
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરાયુ છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનુ જણાવ્યું છે કે, વિવિધ મહાનગરપાલિકા અને અધિકારીઓની રજૂઆત મળી હતી. ઓનલાઈન પણ અરજી સ્વીકારવાની મંજૂરી છતા અરજીઓ મળી નથી. જરૂર પ્રમાણે બાંધકામને નિયમિત કરવાની તક મળવી જઈએ. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, સરકાર ને લાગે ત્યાં સુધી અવધી વધારી શકે માટે બિલ હતું અને વિપક્ષનો આગ્રહ હતો કે એક અવધી નક્કી થાય. ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવાયો છે. તેમજ 1 ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાશે.
કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50 % રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે.
મંત્રીએ સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં.