ગાંધીનગર : અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બદલવાનો નિર્ણય બદલવો પડ્યો છે. મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. જેમાં મોહનથાળ ચાલુ રાખવો કે અંગે બેઠક કરીને નિર્ણય લેવાયો છે. ત્યારે હવે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. આ સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ આપવામાં આવશે.જેને લઈને લાખો માઇભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે.
મિર્ચી ન્યુઝ દ્વારા આ અગાઉ ગત તા-7-3-23 ના રોજ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં “શ્રદ્ધા સામે સત્તા નમશે ! અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં ભારે વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા” ટાઇટલ સાથે મોહનથાળ આસ્થાનું પ્રતિક હોવાનું જણાવી આશાવાદ વ્યક્ત કર્યો હતો.