અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 14 માર્ચ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ટ્રક અને બસના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.
એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં
ઘટના 1
ઘાટલોડિયામાં રહેતા મુકેશલાલ પ્રજાપતિ કડિયા કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજના સમયે બાઈક લઈને સિંધુભવન રોડ તાજ હોટલથી પકવાન ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી બસે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી મુકેશભાઈને જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન મુકેશભાઈનું મોત નિપજ્યુ હતુ.
ઘટના 2
લાંભા ગામમાં રહેતા જગદીશભાઈ રાજપુત તેમના મિત્ર સોયબ ઉર્ફે બાબુ યામીન કુરેશી સાથે બાઈક લઈને દાણીલીમડા આવ્યા હતા. રાત્રીના સમયે પરત લાંભા જઈ રહ્યા હતા તે સમયે લાંભા ચાર રસ્તા પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી બન્ને જમીન પર પટકાતા ગંભીરી રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન સોયબ ઉર્ફે બાબુ કુરેશીનું મોત નિપજ્યુ હતું.
ઘટના 3
અમરાઈવાડીમાં રહેતા સાગરભાઈ ઠાકોર પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. સોમવારે બપોરના સમયે બાઈક લઈને સાગરભાઈ કાઝીપુરા ગામ ખાતે જવા માટે નિકળ્યા હતા. તે સમયે નારોલ બ્રીજથી વિશાલા તરફ જવાના રોડ પર બેફામ રીતે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે સાગરભાઈનું મોત નિપજ્યુ હતુ.
ઘટના 4
ઓઢવના હરીધામ એસ્ટેટમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા મોહનલાલ ઉર્ફે અર્જુન ઠાકોર સોમવારે ઓઢવ ગુરુદ્વારા રોડ મંગલમ સાસાયટી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બેફામ રીતે આવેલા એક આઈસર ટ્રકે મોહનલાલને અડફેટે લીધા હતા. જેથી હવામાં 8 ફૂટ ફંગોળાઈને મોહનલાલ જમીને પટકાઈ પડતા ઘટના સ્થળે જ તેમનુ મોત નિપજ્યુ હતુ.