ગાંધીનગર : કોર્ટ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી અનિવાર્ય કરવાની માંગ ગુજરાતમાં અગાઉ પણ ઉઠતી રહી છે ત્યારે હાલ ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ફરી ચર્ચાયો હતો. ધારાસભ્યોએ માંગ કરી છે કે રજિસ્ટર્ડ કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેમજ જે-તે જિલ્લામાં જ લગ્નની નોંધણી કરવામાં આવે.
કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરતાં કહ્યું કે, રજિસ્ટર્ડ કોર્ટ મેરેજના મામલામાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવામાં આવવી જોઈએ અને આ રજીસ્ટર્ડ મેરેજ જે-તે જિલ્લામાં જ થવાં જોઈએ.એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
તો બીજી તરફ આ મમાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આજે ધારાસભ્યોએ માંગ કરી કે લગ્નની નાંધણી ગામમાં થવી જોઇંએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઇંએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઇએ. જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીએ પસ્તાવાનો વારો આવે છે. કોઇ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.
મીડિયા સાથેની વાતચીતમાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, અમુક કિસ્સાઓમાં પ્રેમલગ્ન કે કોર્ટ મેરેજ મા-બાપની મંજૂરી વગર થાય છે, જેના કારણે ક્રાઇમ રેશિયો પણ ઊંચો જાય છે. જો માતા-પિતાની મંજૂરીથી આવાં લગ્ન થાય તો આ કિસ્સાઓમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળશે.