પાવાગઢ : ચૈત્રી નવરાત્રી દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન સવારના 5.00 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. આ ઉપરાંત રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે. મહત્વનું છે કે, ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા છે.
માઈભક્તો માટે મળતી માહિતી અનુસાર, પાવાગઢ ખાતે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 06 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિના 16 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. અહીંથી ભક્તો પોતાના રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.