ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આ જાહેરાત અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવી હોય પરંતુ હાજર ન થયા હોય અથવા રાજીનામું આપનારા ઉમેદવારોની ખાલી જગ્યા વેઈટિંગમાંથી ભરવા માટે 9 એપ્રિલ પછી કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને પંચાયત પંસદગી મંડળ દ્વારા અગાઉ કરવામાં આવેલા ભરતીની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લામાંથી મંગાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં ભરતીને લઇને માગણી હતી તેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે જ પોલીસ વિભાગમાં 8 હજાર ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ ઇ વ્હીકલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જ સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતી રાખવાની કામગીરી અંગેની વાત પણ ગૃહ રાજ્ય મંત્રીએ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં થનારી ભરતીની માહિતી સામે આવી છે. જે અનુસાર બિન હથિયારી PSIમાં 325, હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6324, જેલ સિપાહી પુરુષની 678 અને જેલ સિપાહી મહિલામાં 57 સહિત કુલ 8000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ઉનાળું પત્યા બાદ શરૂ કરવામાં આવશે તેવું ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોલીસ ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર પરીક્ષા સંબંધિત નોટિફિકેશન જાહેર કરવું જોઇએ. જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેનું ધ્યાન રાખીને જાહેરાતનું અમલીકરણ ઝડપી થવુ જોઈએ.