અમદાવાદ : આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે, ત્યારે નવરાત્રીની શરૂઆતની સાથે સાથે વિક્રમસવંત 2080નો પણ આજે પ્રથમ દિવસ છે. જેથી અમદાવાદના નગરદેવી માઁ ભદ્રકાળી મંદિર ખાતે આજે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સામાન્ય સંજોગોમાં પણ અમદાવાદીઓ પોતાના દરેક શુભ કાર્યની શરૂઆત માઁ ભદ્રકાળીના આશીર્વાદથી કરતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માઁ ભદ્રકાળીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.
પહેલા નોરતે માઁ શૈલીપુત્રીના અવતારમાં ભદ્રકાળી માતાનો શણગાર કરવામાં આવ્યો છે. વિધિવત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીનો એક વિશેષ મહિમા છે. માતાજીની કૃપા મેળવવા ભક્તો પણ યથાશક્તિ ભક્તિ કરીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.