ગાંધીનગર : અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો સતત ઉઠતો રહે છે. અનેકવાર ગુજરાતના શહેર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ ઉઠી છે. એક રિપોર્ટ મુજબ હવે સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકાર કર્યો કે, અમદાવાદનું નામ બદલવા માટે સરકારે કોઈ દરખાસ્ત નથી કરવામાં આવી. આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે આ જવાબ રજૂ કર્યો હતો.
ભાજપ વર્ષોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો કરે છે. ભાજપની પ્રેસનોટમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરવામાં આવે છે. તેમ છતા ભાજપ સરકારને શહેરનું નામ બદલવામાં કોઇ રસ ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદનું નામ બદલવા સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી તેવું સામે આવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે.
નોંધનીય છે કે, RSS , વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા ભાજપના પીઠબળ સમાન હિન્દુત્વવાદી સંગઠનો વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ કરી રહ્યા છે. આ સંસ્થાઓ તેમના કાર્યક્રમમાં અને તેના કાર્યાલયના સરનામામાં પણ અમદાવાદ શહેરને ‘કર્ણાવતી નગર’ તરીકે ઉલ્લેખિત કરે છે. ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે હાલ અમદાવાદનું નામ બદલવાની કોઈ યોજના નથી.
સરકારના આ જવાબથી આ VHPના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. એક VHP આગેવાનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી અમદાવાદનું નામ બદલાવની દરખાસ્ત મંજુર થતી ન હોવાનું ભાજપ નેતાઓ જણાવતા હતા. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા.
હજુ એક મહિના પહેલા જ RSSના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)એ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી હતી. વર્ષ 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. તત્કાલિન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે.