ભાવનગર : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સંતોના માર્ગદર્શન તળે હનુમાન જયંતીના આગલા દિવસે 54 ફુટ ઊંચી વિરાટ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુરનું દિવ્ય અનાવરણ તથા બીજા દિવસે કષ્ટભંજનદેવ ભોજનાલયનો ઉદઘાટન મહોત્સવ પ્રસંગે મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો અને અન્નકૂટ વિગેરે કાર્યક્રમોનું આગામી તા.5, 6 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હનુમાન જયંતી અવસરે 5 અને 6 એપ્રિલ દરમ્યાન વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરો, મ્યુઝિક લાઇવ કૉન્સર્ટ સહિતના કાર્યક્રમો યોજાશે. પાંચમી એપ્રિલે સાંજે 54 ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરના નામ સાથે હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમ જ સંતોના સાંનિધ્યમાં અનાવરણ વિધિ યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનદાદાનું પૂજન કરવામાં આવશે.
6 એપ્રિલે ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે. મંદિર પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, પ્રાતઃ પૂજન આરતી, અન્નકૂટ દર્શન, હનુમાનજી જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થશે. આ સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ મંદિરના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી કરવામાં આવશે.