રાજકોટ : રાજકોટના માલવિયા નગરમાં પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોની કોમન જગ્યા આરોપીએ પચાવી પાડી છે. અમીન માર્ગ પર આવેલા હાઉસિંગના મકાનોની કોમન જગ્યા પચાવી આરોપીએ પાર્કિંગની જગ્યામાં 2 દુકાન અને એક ઓફિસ આરોપીએ બનાવી છે. આરોપીએ અંદાજે 45 લાખની કિંમતની 500 ફુટ જગ્યા પચાવી પાડી છે. માલવિયાનગર પોલીસે આરોપી અલાઉદ્દીન કારિયાણિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ અલાઉદ્દીન કારિયાણિયા નામના આરોપીએ અમીન માર્ગ પર આવેલા હાઉસિંગના મકાનોની અંદાજે 45 લાખની કિંમતની 500 ફુટ જગ્યા પચાવી પાડી હતી, જેને લઈને ફરિયાદીએ રાજકોટ જિલ્લા કલેકટરને ઓનલાઇન લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી.અરજીની તપાસ પૂર્ણ થતા રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એફઆરઆઇ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. માલવિયાનગર પોલીસે આરોપી અલાઉદ્દીન કારિયાણિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશો દ્વારા અમદાવાદના નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારમાં પણ અનેક જગ્યાએ સોસાયટીની કોમન જગ્યામાં અનેક ગેરકાયદે બાંધકામ કરેલ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રહીશોએ વધારાનું બાંધકામ કરેલ છે એ પણ સોસાયટીની કોમન જગ્યા કહી શકાય એવું જાણકારો માની રહ્યાં છે.