બનાસકાંઠા : બનાસકાંઠાના ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેમ્પસમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.
લગ્ન પ્રસંગોમાં દેખા દેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ આંજણા ચૌધરી સમાજે નવી પહેલ કરી છે. સમાજના યુવાઓને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન કર્યું છે. જે યુવકો દાઢી રાખશે તેમની પાસેથી રૂપિયા 51 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઇ હતી.
વધુ સામાજિક સુધારણાની વાત કરીએ તો, મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ નહીં આપનારને રૂપિયા 1 લાખનો દંડ કરાશે. મરણપ્રસંગમાં બારમાના દિવસે કોઈએ નહીં જવું. મહિલાઓએ રૂપિયા ન આપવા અને લેવા પણ નહીં. મરણ પામેલા સગાના ત્યાં વધુ લોકોને ભેગા નહીં થવું. મરણપ્રસંગમાં દીવો બાળવા માટે સગાઓને નહીં બોલાવવા સમાજની પહેલ છે અને પાછળથી રાખવામાં આવતો હાકો બંધ કરવાની સમાજની માગ છે.
ધાનેરાના 54 ગામ ચૉધરી-આંજણા સમાજ દ્વારા તેમના સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે 22 મુદ્દાઓનો અમલ કરાયો છે અને તેમાંય યુવાનોને દાઢી રાખવા ઉપર તેમજ લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ, હોટલમાં જન્મદિવસ ઉજવવા ઉપર પ્રતિબંધ અને વ્યસન ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરે તો દંડની જોગવાઈ કરી છે જેને લઈને બનાસકાંઠા અને મહેસાણાના અન્ય પરગણા અને ગોળના ચૉધરી સમાજના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના સમાજના ગોળમાં પણ આ નિયમો લાગુ થાય તેમ ઈચ્છી રહ્યા છે.