અમદાવાદ : નારણપુરામાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય તબીબે તેમના નાના પુત્રની માથાભારે પત્ની વિરૂદ્વ સોસાયટીમાં આવેલા મકાનમાં અને વાહનમાં તોડફોડ કરીને ભયનો માહોલ સર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરા અંકુર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય ડૉ. ગોવિંદભાઇ પુરોહિત તેમના પત્ની ગીતાબેન, મોટા પુત્ર યોગેશ અને તેની પત્ની સાથે રહે છે. જ્યારે તેમનો નાનો પુત્ર યગ્નેશ અને તેની પત્ની છેલ્લાં છ વર્ષથી મેમનગરમાં આવેલા સિગ્મા સેરેન ખાતે અલગ રહે છે. ફરિયાદી ગોવિંદભાઇ ઉસ્માનપુરા ખાતે હોસ્પિટલમાં પ્રેકટીસ કરે છે.
ગત 30મી માર્ચના રોજ ગોવિંદભાઇને તેમના પુત્ર યોગેશે ફોન કર્યો હતો કે યજ્ઞેશની પત્ની અંશુ અંકુર સોસાયટીના મકાન પર આવી છે અને ઘરમાં ઘુસવા માટે ધમકી આપે છે. જેથી દરવાજો બંધ કરી દેતા તે બહાર તોડફોડ કરે છે. આ બાબતની જાણ થતા ગોવિંદભાઇએ પોલીસના જાણ કરીને હતી અને ઘરે આવ્યા હતા. ત્યારે અંશુએ લાકડાના દંડા વડે બારીના કાચ અને દરવાજાના કાચ, બગીચાના છોડવાના કુંડા અને વાહનોમાં તોડફોડ કરી હતી.
આ સમયે ગોવિંદભાઇએ સગાવ્હાલાની વાત માનીને પોતાના દીકરાની પત્ની વિરૂદ્વ કાર્યવાહી કરવાનુ ટાળ્યું હતું. પણ તે બાદ અંશુએ ઉસ્માનપુરા ખાતે આવેલી ડૉ. ગોવિંદભાઇની હોસ્પિટલમાં જઇને ધમકી આપતા છેવટે તેમણે આ અંગે નારણપુરા પોલીસ મથકે યજ્ઞેશની પત્ની અંશુ વિરૂદ્વ ગુનો નોંધાવ્યો હતો.