પાલનપુર : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં રહેતો એક યુવક હાલ ચર્ચામાં આવી ગયો છે. મહિનાથી જે ફરિયાદનો નિકાલ ના આવ્યો તેનો પાલનપુરના આ યુવકના એક આઈડીયાએ ગણતરીની મિનિટોમાં હલ લાવી દીધો છે. જીતુભાઈ ઠાકોર નામના યુવાને અપનાવેલો એક વિચાર રાજ્યમાં પરેશાન હજારો લોકો માટે આર્શીવાદરૂપ બની શકે તેમ છે.
ગુજરાત ફર્સ્ટના રિપોર્ટ મુજબ પાલનપુર શહેરના દિલ્હી ગેટ ઠાકોર વાસમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતા જીતુભાઈ ઠાકોર નામનો યુવાન છેલ્લાં એકાદ મહિનાથી પરેશાન હતો. જીતુભાઈની પાડોશમાં રહેતા તેમના જ દૂરના સંબંધીએ દેશી દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પાલનપુર શહેરમાં દેશી દારૂની એક વધુ ગેરકાયદેસર દુકાન શરૂ થતાં બંધાણીઓ તે તરફ ‘સારા માલ’ની આશાએ દોટ લગાવવા લાગ્યા. ઠાકોર વાસમાં દારૂ પીવા જનારા બંધાણીઓ જીતુભાઈના ઘરે માલ મળે છે તેમ સમજી પહોંચી જતા હતા. દિવસ હોય કે રાત દેશી દારૂના બંધાણીઓ જીતુભાઈના ઘરે પહોંચી જતા હોવાથી તેમણે આ મામલે સ્થાનિક પોલીસનું ધ્યાન દોર્યું હતું. સાથે જ તેમણે દારૂ વેચાતો હોવાના પૂરાવા પણ મહિના અગાઉ આપ્યા હતા.
પાલનપુર શહેરમાં નવી શરૂ થયેલી દેશી દારૂની ગેરકાયદે દુકાને આવતા બંધાણીઓથી જીતુભાઈ અને તેમનો પરિવાર માનસિક ત્રાસ અનુભવવા લાગ્યો હતો. સાપ્તાહિક, પખવાડીક સહિતના અખબારો માટે ડીટીપી ઑપરેટર તરીકે કામ કરતા જીતુભાઈ અને તેમનો પરિવાર મહિનાથી ખૂબ જ પરેશાન હતો. આ મામલે સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરી હતી. જો કે, પોલીસે જરા સરખો પણ રસ લીધો ન હતો.દારૂનો ધંધો કરતા પરિવાર સાથે ગત સોમવારે જીતુભાઈને સામાન્ય બોલાચાલી થતા બુટલેગરના પરિવારે થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
આખરે જીતુભાઈએ કંટાળીને પોતાના ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી ‘દારૂ અહીયા નથી મળતો, બાજુમાં મળે છે. અહીયા કોઈએ આવવું નહીં’ તેવું એક પોસ્ટર બનાવીને ઘરની બહાર લગાવી દીધું. પોસ્ટર લાગ્યાની ગણતરીની મિનિટોમાં એક પત્રકારે તેનો ફોટો પાડી લીધો. દરમિયાનમાં પોલીસને જાણ થતાં સ્થળ પર દોડી આવી અને પોસ્ટરને દિવાલ પરથી હટાવી દઈ દારૂ વેચનારને 15 મિનિટમાં જ ઉપાડી ગઈ. અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.