અમદાવાદ : પ્રેમ પ્રકરણમાં વાડજના યુવકે ‘મેં જેનાં નામ લીધાં છે તે બધાને સજા થવી જોઈએ,’ વીડિયો બનાવીને કેનાલમાં ઝંપલાવી લીધું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની આત્મહત્યા માટે જવાબદાર ચાર લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામદેવપીર ટેકરા પર રહેતો પ્રકાશ થોડા દિવસ પહેલા રીક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો. અહીં તેણે કેનાલ પાસે રીક્ષા પાર્ક કરી અને બાદમાં કેનાલમાં કુદી ગયો હતો. જોકે રાત સુધી પ્રકાશ ઘરે ન આવતા પરિજનોએ તેની શોધખોળ આદરી હતી એવામાં તેમને કેનાલ પાસેથી રીક્ષા પાર્ક કરેલી મળી હતી, જેમાં મોબાઈલ ફોન અને થોડા પૈસા હતા.પોલીસે કલાકોની મહેનત બાદ કેનાલમાંથી પ્રકાશનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
જે બાદ પ્રકાશના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો. આ બાદ પરિવારજનોએ પ્રકાશનો મોબાઈલ ચાર્જ કર્યો અને ચાલુ કરતા અંદરથી એક વીડિયો તેમને મળી આવ્યો હતો. વીડિયોમાં પ્રકાશ જેને પ્રેમ કરતો હતો તે યુવતીનું નામ બોલી રહ્યો હતો અને આગળ કહ્યું કે, યુવતીના પરિવારજનો તેને સતત ધમકાવતા હતા અને તેની સાથે વાત નહોતા કરવા દેતા જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. આ લોકોને ફાંસી નહીં તો ઉંમર કેદની સજા થવી જોઈએ
ગુજરાત પોલીસને મારી એટલી જ અપીલ છે. વીડિયોમાં તેણે પ્રેમિકાના પરિવારજનોના કારણે જ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ વાડજ પોલીસે વીડિયો પરથી પ્રકાશના આપઘાત માટે જવાબદાર ચાર વ્યક્તિ વિરુદ્ધ દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.