અમદાવાદ : આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 22 એપ્રિલ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ખાનગી શાળામાં ધોરણ 1ના વર્ગોમાં પ્રવેશ માટે RTE ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી વાલીઓ rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આમ તો આગામી 22 એપ્રિલ સુધી ચાલવાની છે. તેમ છતાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં મુંઝવણ હોય તો તે સમસ્યાનું પણ થશે નિરાકરણ, કારણ કે અમદાવાદની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં RTE એડમિશન માટે હેલ્પલાઈન નંબર તેમજ હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે.
RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. RTEની વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયા માટે RTE-1, RTE-2, RTE-3, RTE-4 એમ ચાર લિંકનો ઉપયોગ કરી વાલીઓ ફોર્મ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. જે માટે 22 એપ્રિલ સુધી એટલે કે 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા આમ તો ઓનલાઈન છે. પરંતુ જો તેમ છતાં કોઈ વાલીને કોઈ મુંઝવણ હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર- (079-27912966) પર માહિતી કે ખુટતી વિગત મેળવી શકે છે. આ ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા બોર્ડની પરિક્ષા સમયે શરુ કરવામાં આવેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા પણ આ પ્રક્રિયા માટે ઉપયોગી થશે. જે માટે એક નંબર શરુ કરવામાં આવ્યો હતો. આ નંબર છે 9909922648. હવે વાલીઓ આ નંબર નોંધી લે.
જો RTE એડમિશનને લઈને કોઈ પણ તકલીફ પડી રહી હોય તો વોટ્સએપ કરીને પણ વાલીઓ પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે. આટલું જ નહીં જો વાલીઓ પુછપરછ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવી ગયા તો તેઓને પણ સંતોષકારક જવાબ મળી રહે તે માટે આરટીઈ એડમિશન હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે. જ્યાંથી વાલીઓ ફોર્મ ભરવાની વિગતો ડોક્યુમેન્ટની વિગતો સહિત જે પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ મેળવી શકે છે.
મહત્વનું છે કે, RTE એડમિશન માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. સાથે જ વાલીઓને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરે તે ઓરિજનલ અપલોડ કરવાના રહેશે. કોઈપણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ એડમિશન માટે માન્ય ગણાશે નહીં.