અમદાવાદ : શહેરમાં આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને રુંવડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. શહેરમાં ફરી એક વખત પૂર ઝડપે જઈ રહેલા ડમ્પરે એક માસુમ વ્યક્તિનું મોત નીપજાવ્યું છે. યુવક પોતાના ઘરથી બહાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર પૂર ઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ડમ્પરે તેને અડફેટે લીધો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે અમદાવાદના સુખરામનગર અમરાઈવાડી માર્ગ પર ઉત્તમ ડેરી નજીક AMCના ડમ્પરે અકસ્માત સર્જો હતો. અમરાઈવાડીથી કચરો લઈ ફૂલ સ્પીડમાં જતુ ડમ્પર વિજય પારઘી નામના 31 વર્ષના યુવકને અડફેટે લેતા તે ફંગોળાઈ ગયો હતો. જેમાં તે નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા રસ્તા પર લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. લોકો ડ્રાઇવરને પકડવા જાય તે પહેલા તે ભાગી ગયો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રસ્તામાં લોકોના ટોળા ભેગા થતા પોલીસે ત્યાંથી તાત્કાલિક લાશને ખસેડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રસ્તા પરથી રોજ AMCના ડમ્પરો પસાર થાય છે, જે પુરપાટ ઝડપે જતા હોય છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. આ મામલે હાલ પોલીસે ડમ્પર ચાલકને પકડવાના પ્રયાસ શરૂ કર્યા છે.