અમદાવાદ : અમદાવાદમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની રેડ થઈ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારની તાજ હોટેલમાંથી જુગાર રમતા મોટા માથાઓ પકડાયા હતાં. ત્યારે હવે શહેરના ચાંદખેડા વિસ્તારમાં SMC દ્વારા દરોડા દરમ્યાન 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપી ફરાર થઈ જતાં વોન્ટેડ છે.
અમદાવાદમાં શહેરમાં સ્થાનિક પોલીસની રહેમનજર બાદ દારૂ જુગાર મામલે હવે SMC સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે SMCએ શહેરના અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન બાતમી મળતા SMC દ્વારા ચાંદખેડા વિસ્તારમાં ચાંદખેડા ગામ વાડાતળાવના કાંઠા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સેલ દ્વારા જુગાર રમતાં 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે રહેલા બીજા ચાર આરોપીઓ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. આરોપીઓની તપાસ હાથ ધરીને SMC દ્વારા વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. SMCએ રેડ દરમિયાન 37 હજાર રૂપિયા રોકડા, 259ના કોઈન, 9 નંગ મોબાઈલ, પાંચ વાહનો થઈ કુલ 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તમને જણાવી દઈ આ અગાઉ પણ ચાંદખેડા પોલીસ સ્ટેશન દારૂ-જુગારના કારણે સતત બદનામ રહે છે. વિજિલન્સ અને PCB એ પણ આ વિસ્તારમાં રેડ કરી હતી. ત્યારે ફરી એક વખત આટલો મોટો જુગારધામ જડપાતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને ફરી સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે.