અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 18 એપ્રિલ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ સહિત ચારનાં મોત થયા હતા, જેમાં ડમ્પર અને આઇશરના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.
એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ તરફના રોડ, ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી, અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસે અને અમરાઈવાડીમાં હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, વૃદ્ધ સહિત ચારના મોત નીપજ્યાં હતાં.
ઘટના 1 | વસ્ત્રાપુરમાં રહેતા ભરતભાઈ પટેલનો 13 વર્ષનો પુત્ર વ્રજ પટેલ સાઇકલ લઈને સ્કૂલેથી પરત આવી રહ્યો હતો. તે એનઆઈડી સર્કલથી સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર પહોંચ્યો ત્યારે પિકઅપ વાને વ્રજને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ
થયું હતું.
ઘટના 2 | બીજી ઘટનામાં નારોલમાં રહેતા 69 વર્ષીય જવાનમલ રાવલ સોમવારે સવારે અસલાલીથી નારોલ જવાના રોડ પર મહાકાળી ઢાબાની પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઈસરે તેમને અડફેટે લીધા હતા, જેને કારણે જવાનમલ રાવલનું ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું.
ઘટના 3 | સાણંદમાં રહેતા 52 વર્ષીય મનુભાઈ વાણિયા ધરણીધર દેરાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ
થયું હતું.
ઘટના 4 | ગોમતીપુરમાં રહેતા 30 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર વિજય પારધી મંગળવારે વહેલી સવારે સુખરામનગર સંત વિનોભા ભાવે નગર પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એએમસીના ડમ્પર ચાલકે વિજયભાઈને ટક્કર મારી હતી, જેથી તેઓ આઠ ફૂંટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.