20 C
Gujarat
Friday, January 3, 2025

વિશ્વનું સૌથી મોટું અને મોંઘું ‘શ્રી યંત્ર’ શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે, ચારધામની યાત્રા પણ નીકળશે

Share

અંબાજી : આદ્ય શક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુસર દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રી યંત્ર સાથે ચારધામની યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ 20મી એપ્રિલે પાલનપુર ખાતે મેરુ શ્રી યંત્રની પૂજા અર્ચના કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આદ્ય શક્તિ માં અંબામાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને સભ્યો દ્વારા અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર અર્પણ કરવામાં આવશે. આ શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે અને નિર્વિઘ્ને શ્રી યંત્ર પૂર્ણ થાય એ માટે દીપેશભાઈ પટેલ અને એમના મિત્રોનું જય ભોલે ગ્રુપ અમદાવાદ ચાર ધામની યાત્રાએ જવાનું છે. ચારધામ યાત્રામાં શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રી યંત્ર લઈ જવામાં આવનાર છે. જ્યાં દરેક મંદિર- ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવશે. ચારધામ યાત્રા પૂર્ણ થયા બાદ શાસ્ત્રોકત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી બનનાર 2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે.

શ્રી યંત્રના પ્રકાર અને તેનું મહત્વ
શ્રી વિદ્યામાં જણાવ્યા મુજબ શ્રી યંત્ર મેરુ, ભૂ પૃષ્ઠ અને કુર્મ પૃષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે. જેમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ મેરુ શ્રી યંત્ર કહેવાય છે. જે પિરામિડ આકારનું હોય છે. જ્યારે ભૂ પૃષ્ઠ યંત્ર જમીનને અડકેલું અને કુર્મ પૃષ્ઠ શ્રી યંત્ર કાચબાની પીઠ જેવું ઉપસેલું હોય છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી કહેવાય છે. જેને માતા લક્ષ્મી અને સરસ્વતી ચામર ઢોળે છે. આથી એવું કહેવાય છે કે શ્રી યંત્રની પૂજા આરાધનાથી ધન, વૈભવ, યશ , કીર્તિ, એશ્વર્ય અને મોક્ષ સાથે સદબુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી અને સરસ્વતીના સમન્વયથી લોકોના જીવનમાં સુખ શાંતિ આવે એવી ભાવનાથી શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે.

આજથી 1200 વર્ષ પહેલાં શ્રુંગેરી મઠના શંકરાચાર્ય દ્વારા મઠમાં સુવર્ણનું શ્રી યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવામાં આવી હતી. આથી દીપેશભાઈએ શ્રી યંત્રના નિર્માણમાં શ્રુંગેરી મઠના શંકરાચાર્યનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી શાસ્ત્રોમાં વર્ણિત વિધિ વિધાન સાથે આ શ્રી યંત્ર નું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં શ્રી શ્રી ભગવતી રાજ રાજેશ્વરી શ્રી વિદ્યામંદિર , હિમાચલ પ્રદેશના દંડી સ્વામી શ્રી જય દેવાંગ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. આદિ શંકરાચાર્યએ શ્રી વિદ્યામાં શ્રી યંત્ર વિશે જણાવેલું છે. તેમજ “તંત્ર રાજ તંત્ર” પુસ્તકમાં પણ શ્રી યંત્રના નિર્માણની વિધિ દર્શાવેલી છે. જેનો અભ્યાસ કરી સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ શ્રી યંત્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો દીપેશભાઈએ પણ ચાર વર્ષ સુધી શ્રી વિદ્યાનો અભ્યાસ કરેલો છે. અને તેની દીક્ષા લીધેલી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles