અંબાજી : શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાશે અને આ સમયગાળામાં બપોરે આરતી પણ શરૂ થશે.
બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરીસા વડે સૂર્યનારાયણના દર્શન માતાજીના ગર્ભગૃહ પર કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે અને જ્યા પૂજારી બેસે છે ત્યાં કપડાનો પંખો પણ લગાવવામાં આવે છે અને માતાજીને ભક્તો દોરી વડે પંખો પણ ઝુલાવતા હોય છે. આ સમયગાળામાં અંબાજી મંદિર સવારે 10:45 વાગે બંધ થાય છે અને બપોરે 12:30 વાગે ફરી ખુલે છે અને ત્યારબાદ રાત્રે 9 સુધી ખુલ્લું રહે છે.અંબાજી મંદિર દર્શન સમય 22/4/2023 થી 19/6/2023 સુધી બપોરે અન્નકૂટ યોજાશે નહીં.
:- અંબાજી મંદિર દર્શન સમય :-
સવારે મંગળા આરતી 7 થી 7:30
સવારે દર્શન 7:30 થી 10:45
બપોરે આરતી 12:30 થી 1:00
બપોરે દર્શન 1:00 થી 4:30
સાંજે આરતી 7 થી 7:30
સાંજના દર્શન 7:30 થી 9