અમદાવાદ : અમદાવાદનાં નારણપુરામાં પ્રગતિનગર ચાર રસ્તા પર 104 કરોડ રુપિયાના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેને લઈને બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવ્યો છે.હાલ પૂરતું પલ્લવ ઓવરબ્રિજની કામગીરી બંધ છે ત્યારે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને પ્રગતિનગર ચાર રસ્તાથી લઇ અને પલ્લવ ચાર રસ્તા સુધી જે ફૂટપાથ આવેલી છે, તેને દૂર કરી અને ત્યાં રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પર જે ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યો છે, તેની કામગીરી હાલ પૂરતી બંધ છે. તેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રોડની બંને તરફ જે ફૂટપાથો બનાવવામાં આવેલી છે, તે ફૂટપાથોને તોડી અને ત્યાં રોડ બનાવવા માટે આજે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રોડ ખુલ્લો થઈ જતા વાહન ચાલકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.