અમદાવાદ : હાઉસીંગના રહીશો માટે ખુશખબર આવી રહ્યા છે. અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં મોટી સંખ્યામાં હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો હાઉસીંગના રહીશો માટે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ બે અભૂતપૂર્વ નિર્ણયોથી હાઉસીંગના રહીશોનું રિડેવલમેન્ટ દ્વારા નવા ઘરનું સપનું હવે બહુ દુર નથી.
તાજેતરમાં શહેરના નારણપુરા વિસ્તારમાં હાઈઈન્કમ ગ્રૂપ (HIG) રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિવડેવલપમેન્ટને લઈને સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડ દ્વારા કડક હાથે કામગીરી કરતા કાયદાનો કોરડો વિઝતા અસંમત સભ્યોનો મકાનોને સીલ કરાયા હતા. હાઉસીંગ બોર્ડ દ્વારાસોસાયટીના ૯૫ ટકા મકાન રિડેવલમેન્ટ માટે મંજૂર થયા છે. જેમાં ૩૧૨ માંથી ૧૭ મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડએ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક રામેશ્વર એપાર્ટમેન્ટમાં ૩૧૨ મકાન છે, જેમાંથી ૨૯૫ સભ્યોએ કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લઈને રિડેવલપમેન્ટમાં જોડાયા હતા, પરંતુ ૧૭ સભ્યો એવા હતા કે જેઓએ સંમતિ કરાર કર્યા નહોતા, જેથી ગત સપ્તાહે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસની મદદથી રામેશ્વર એપોર્ટમેન્ટના ૧૭ અસંમત સભ્યોના મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા પ્રથમ તો દસ અને પાછળથી બાકીના સાત રિડેવલપમેન્ટ માટે જોડાઈ ગયા હતા.આમ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અસંમત ૧૭ સભ્યોનું નહીં સાંભળી ફકત ૨૯૫ સંમત સભ્યોનો અવાજ સાંભળતા હવે ટુંક સમયમાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં ડિમોલીશનની પ્રક્રિયા શરૂ થશે, અને આગામી ત્રણ વર્ષમાં રહીશોને જુના સામે નવું ઘર મળશે.છેલ્લે મળતી માહિતી મુજબ સોસાયટીમાં ૫૦ ટકા થી વધુ રહીશોએ મકાન ખાલી કરી દીધા છે, લોકોને ભાડા પેટે ચેક પણ મળવા લાગ્યા છે.
બીજી એક ઘટનામાં નારણપુરામાં સુર્યા-૩ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટમાં કેટલાંક અસંમત સભ્યો દ્વારા ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું હતું. જો કે હાઈકોર્ટ દ્વારા પણ કેસ દાખલ કરવા માટેની અરજીને ડિસમિસ કરવામાં આવતા હવે સુર્યા એપાર્ટમેન્ટમાં પણ રિડેવલમેન્ટના દ્વાર ખુલ્યા છે, જો કે અસંમત સભ્યો માટે હાઈકોર્ટમાં ડબલ બેંચમાં અપીલ કરી જવાનો ઓપ્શન હજુ રહે છે.આ અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવાવાડજમાં આવેલ કિરણપાર્ક સોસાયટીમાં એક અસંમત સભ્યના મકાનને સીલ મારી કબજો લઈ લીધો હતો.
આમ હાઉસીંગના રહીશો માટે ઉપરોક્ત બે ઐતહાસિક નિર્ણયોને જોતા આવનાર સમયમાં શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગના લાખો રહીશો રીડેવલપમેન્ટ થકી મુળ જગ્યાએ મોટુ ઘર મળે તે સમય હવે બહુ દૂર નથી, એવું હાઉસીંગના આગેવાનો અને રહીશો જણાવી રહ્યા છે.
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન આ મુદ્દે શું કહે છે….
તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ બાબતે હાઉસીંગ સોસાયટીઓના નિયમો આધારીત બહુમત સભ્યો ૭૫% સાથે રીડેવલપમેન્ટ પ્રક્રિયાને ધ્યાને રાખતા અસંમત ૨૫% સુધીના સભ્યો સામે ૬૦એ૨ નોટિસ દ્વારા એટલે કે કબજો લેવાની કાર્યવાહી નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટમાં કરાઈ હતી જેને અમો આવકારીએ છીએ.
આ ઉપરાંત તે જ દિવસે ગુજરાત હાઈકોર્ટના આદરણીય સિંગલ જજ દ્વારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ ત્રણના રિડેવલપમેન્ટમાં કેટલાંક અસંમત સભ્ય દ્વારા થયેલ કોર્ટ કાર્યવાહી માટે કેસ દાખલ કરવા માટેની અરજીને ડિસમિસ કરવામાં આવેલ છે. તે સોસાયટીના અસંમત સભ્યોમાંના કેટલાક સભ્યો ડબલ બેંચ માટે અપીલ કરી શકે છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગમાન બનાવતા ગુ.હા.બોર્ડના કોમ્પીટન્ટ ઓથોરીટીના પ્રોસેસ, હુકમ તથા કોર્ટના આદેશને બહુમત રહીશો આવકારે છે. કાયદા દ્વારા સ્થાપિત ૭૫% કે તેથી વધુ બહુમત જનોના હિતને ધ્યાને રાખી તેમનું મનોબળ વધારતા મોરલ સપોર્ટ મળે તેવી પ્રક્રિયા હાઉસિંગ બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે તેને બહુમત રહીશો આવકારે છે. ઉપરોક્ત બંન્ને હુકમ તથા તેના એક્શન જે બહુમત હીતને સાંત્વનાસહ ખાત્રી આપે છે કે કાયદાનો હવે ઝડપી અમલ થતો રહેશે અને સાથે સાથે અસંમત સભ્યોને કડક સંદેશ પણ આપે છે કે રિડેવલપમેન્ટમાં નડતર સભ્યોની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. સરકારી સંસ્થા દ્વારા ઉદાહરણ સ્વરૂપ દાખલા બેસાડેલ છે. ભવિષ્યમાં જરૂરીયાતે આવા સ્ટેપ ત્વરીત લે તેવી રહીશોને અપેક્ષાઓ છે…સંદિપ ત્રિવેદી(સભ્ય, હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન)
ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ આ મુદ્દે શું કહે છે….
ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીઓ કે જેમાં ૭૫ ટકા અને તેથી વધુ સહમતિ રહિશોએ આપી હોય અને ત્રિપક્ષીય કરાર થયા પછી જે અસંમત સભ્યો હોય તેમની સામે નિયમાનુસાર એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે જેનાં અનુસંધાને નારણપુરાના સુર્યા-૩ એપાર્ટમેન્ટ અને રામેશ્વર એપાર્ટમેન્ટમાં કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કાર્યવાહીમાં વેગ મળ્યો છે અને હજી જો આજ પ્રકારે કાર્યવાહી સમયસર કરવામાં આવે તો ડેવલપરો પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લે અને તેઓનો ઉત્સાહ વધે અને રિડેવલપમેન્ટની કાર્યવાહી ઝડપી બને, જેથી ભવિષ્યમાં જર્જરીત મકાનોની જાનહાનિ ટાળી શકાય…દિનેશ બારડ (પ્રમુખ, ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ)