અમદાવાદ : IPL આવે ત્યારે બુકી અને ખેલીઓ માટે દિવાળી આવી હોય તેવો માહોલ થઇ જાય છે. IPLની સીઝન દરમિયાન કરોડો રૂપિયાની હાર-જીત થાય છે. ત્યારે અમદાવાદમાં IPL સટ્ટાના દુબઇના તારનો પર્દાફાશ થયો છે અને પોલીસે 12 બુકીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓર્ચિડ બંગલોઝના સાત નંબરના બંગલામાં IPL પર મેચ રમાડતા બુકીઓ છે. બંગલો ભાડે રાખીને બુકી મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન IPL પર સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને બંગલામાં સટ્ટો રમાડતા ભવરલાલ ચૌધરી, અશોકરામ સૈન, અશોકદાસ સંત, ભીયારામ ડુકિયા, પ્રકાશ ઉર્ફે મુન્નો માળી, કિશન જાટ, આસુરામ ચૌધરી, ઘેવરચંદ જાટ, કેશારામ ચૌધરી, રાજેન્દ્ર પ્રજાપતિ, સુનીલકુમાર ગૌતમ, દિલીપ ગૌતમની ધરપકડ કરી લીધી હતી.
પોલીસને આ તપાસમાં તેમની પાસેથી કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો, જુદી જુદી ડાયરીઓ, લેપટોપ તથા મોબાઈલ પોન મળી આવ્યા છે. જોકે આ ઘટનામાં સટ્ટા રેકેટના મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય બુકીઓએ બીજા લોકોને દુબઈ ખાતે ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા હતા અને ચાંદખેડામાં બંગલો ભાડે લઇને સટ્ટો રમાડતા હતા.
ઉલ્લેખનીય છે કે IPL શરૂ થાય તે પહેલા જ માર્ચમાં અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા હતા અને સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી.SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.