અમદાવાદ : અમદાવાદમાં ન્યૂડ વિડીયો કોલ કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં શીલજમાં રહેતા એક વેપારીને યુવતીએ ફેસબુક પર રીકવેસ્ટ મોકલી હતી. બાદમાં વોટ્સએપ પર ન્યૂડ વિડીયો કોલ કરીને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. આ બનાવ અંગે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના શીલજમાં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનરના વેપારીને ગત 11 માર્ચે 2022માં ફેસબુક પર પાયલ શર્મા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. વેપારીએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી જેના પગલે બંને જણા મેસેન્જરમાં વાતો કરતાં હતાં. ત્યાર બાદ બંને જણા વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ પર પણ વાતો કરતાં હતાં. જે બાદ પાયલ શર્માએ વીડિયો કોલ કર્યો હતો. જે યુવકે રિસિવ કરતાં જ તેણે પોતાનો અસલી રંગ બતાવી દીધો હતો. આ યુવતીએ બંને વચ્ચેની વાતચીતનો વીડિયો રેકોર્ડ કરી દીધો હતો. ત્યાર બાદ વીડિયો વોટ્સએપ પર મોકલ્યો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી.
આ પાયલ શર્મા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક લાખ આઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. ત્યાર બાદ અન્ય ઈસમોએ ફોન કરી કરીને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી રૂપિયા માંગ્યા હતાં. જેથી યુવક સાથે યુવતીએ વિશ્વાસઘાત કરીને ધમકીઓ આપી બ્લેક મેઈલ કરીને એક લાખ પડાવ્યા હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.