અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 20 વર્ષની કોલેજિયન યુવતીએ એક-બે નહીં પરંતુ 20 પ્રેમીઓ બનાવ્યા હતા. યુવતી રોજ મોડી રાત્રે ઘરે આવતી. માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની અને આપઘાત કરી લેવાની ધમકી આપતી હતી.યુવતીને રોજ રાત્રે અલગ અલગ યુવકો ઘરે મૂકવા આવતા હોવાથી આખરે પિતાએ તેને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ યુવતી ન માનતા અભયમની મદદ લેવમાં આવી હતી. અભયમની ટીમે યુવતી તથા તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નારોલમાં રહેતા 49 વર્ષના આધેડને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી 20 વર્ષની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. જોકે કોલેજ બંધ હોય તો પણ દીકરી બહાર રહેતી. જો માતા-પિતા કંઈ પૂછે તો ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી હતી. આથી પિતાએ એક દિવસ દીકરીનો ફોન હેક કર્યો હતો. દીકરીનું વોટ્સએપ જોતા તેને ઘણા બધા પ્રેમીઓ હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીઓ સાથે દીકરીનું ચેટ વાંચીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બધા યુવકો સાથે બિભત્સ વાતો કરતી હતી. જેમાંથી એક પ્રેમી તો યુવતીને લગ્ન કરવાનું કહેતો અને ધમકી આપતો. પિતાએ દીકરીને સમજાવતા તેણે આપઘાત કરી લેવાની ધમકી આપી દીધી. આથી તેમણે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો.
આથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સમજાવીને સારા ભવિષ્ય માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. સાથે જ લગ્ન કરવાની વાતો કરનારા પ્રેમીને પણ બોલાવીને સમજાવ્યો હતો. આખરે યુવતીને તેની ભૂલ સમજાતા તેણે પિતાની માફી માંગી હતી અને ફરીથી આ પ્રકારનું કામ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.