અમદાવાદ : નારણપુરામાં આવેલ મીડલ ઇન્કમ ગ્રુપ-MIGના સૂર્યા એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટના મુદ્દે થયેલી અપીલને રદ કરતાં હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારોના વલણ પ્રત્યે ભારે નારાજગી અને અણગમો વ્યક્ત કર્યો હતો. અપીલકર્તા દ્વારા સિંગલ જજ સમક્ષ જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, એમાંથી કેટલાક દસ્તાવેજો ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા નહોતા અને એવી દલીલ કરી હતી કે કોઇ ડોક્યુમેન્ટસ મળ્યા નથી. જોકે હકીકતમાં તમામ દસ્તાવેજો સિંગલ જજ સમક્ષ જ રજૂ કરી દેવાયા હતા. તેમ છતાંય અપીલકર્તા તરફથી એ હકીકત કોર્ટથી છૂપાવાઇ હતી. તેથી ખંડપીઠે આવા વલણની આકરી ટીકા કરી અરજદારોને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારની સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-3 કોલીનીના કુલ 132 સભ્યોમાંથી 122 સભ્યો રિડેવલપમેન્ટમાં સંમત થયેલ અને 10 જેટલા અસંમત સભ્યો હાઈકોર્ટમાં શરણું લીધું હતું. જેમાં સિંગલ જજનો હુકમ બહુમત રહીશોની તરફેણમાં આવ્યો હોવા છતાં અપીલકર્તા ફરીથી હાઈકોર્ટમાં ખંડપીઠ સમક્ષ એલપીએ લેટર્સ પેટન્ટ અપીલ ફાઇલ કરેલ, જેમાં સિંગલ જજ સામે ઘણા મુદ્દા ઉપાડ્યા હતા, તે બધા બાબતે સિંગલ જજ વડે વિચાર કરીને પિટિશન રિજેક્ટ કરેલ ને એમાંથી એક મુદ્દો કે રેસિડેન્શિયલ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ ના થઈ શકે તેવા ગ્રાઉન્ડ સાથે અપીલ કરી હતી.
વધુમાં અપીલકર્તાઓએ પોતાની અપીલમાં એક બીજો મુદ્દો લીધો હતો કે તે લોકો પાસે રિડેવલપમેન્ટને લગતી કોઈ લેખીત વિગત નથી, જે તે લોકોને સિંગલ જજ સમક્ષ આપવામાં આવી હતી, તેમ છતાં અપીલકર્તાએ ખંડપીઠ સમક્ષ દબાવ કરેલ તથા જરૂરી દસ્તાવેજી પૂરાવા ના મૂકતા ખંડપીઠે આવા વલણની આકરી ટીકા કરી અરજદારોને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો.જોકે અમે અપીલકર્તાઓ તરફથી એડવોકેટ દ્વારા માંગવામાં આવેલી બિનશરતી માફીને ગ્રાહ્ય રાખીએ છીએ.