અમદાવાદ : મહેસાણાના મોલમાં નોકરી કરતી યુવતી ઘરે ન પહોંચી હતી અને તેની નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં લાશ મળી હતી. યુવતી સાથે શું બન્યું? તે હજી સુધી તેનો પરિવાર જાણતો નથી, તેવા સમયે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હવે યુવતીની લાશને પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી રહ્યા છે.
મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટી ને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાના મમ્મી સાથે ફોન ઉપર રોજિંદી વાત કરતી હતી અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વીચ ઓફ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતીના પહોંચતા પરિવાર વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય તે બાબતે જાણકારી આપી હતી.
પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતા પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવાર પણ મહેસાણાના વિવિધ વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથધરી. યુવતી જે ઓશિયા મોલમાં નોકરી કરતી હતી તે સ્થળે મોલમાં પણ પરિવાર અડધી રાત્રે યુવતીની શોધખોળ માટે ગયા ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે સવારે 10 વાગે નોકરી કારવાતો યુવતી આવશે ત્યારે પરિવારને જાણકારી આપીશું.
સતત બે દિવસની શોધખોળ બાદ અચાનક બાસણા મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરના ખેડૂતે પોલીસને જાણકારી આપી કે કોઈ અજાણી યુવતીની નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના ફોન બાદ તુરંત પોલીસ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી અને 25મી ગુમ થયેલ યુવતીના પરિવારને જાણકારી આપી અને મૃતદેહના ઓળખ માટે બોલાવ્યા ત્યારે યુવતીના પરિવારજનો ને ફાડ પડી હતી.
યુવતીના પરિવારજનોનું માનીએ તો મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાં યુવતીનો નગ્ન અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ હતો. યુવતીના શરીર ઉપર બચકા ભરવામાં આવ્યા હોય તેવા નિશાન હતા અને યુવતીનું મોઢું પથ્થર મારીને છૂંદી નાખવામાં આવ્યું હતું. જેથી યુવતીની ઓળખ ના થાય પરંતુ ખેતરથી અડધો કિલોમીટર દૂર બેગ મળી જેમાં યુવતીનું આઈકાર્ડ અને આધારકાર્ડ મળી આવતા પરિવારે યુવતીની ઓળખ કરી હતી.
યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. બીજી તરફ યુવતીની શંકાસ્પદ હાલતમાં મળતા પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે, યુવતી સાથે બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં આવે નહીં તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.