ગાંધીનગર : ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ જાહેર થશે. ધોરણ-10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પરિણામની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવી છે. www.gseb.org પર સવારે 8 વાગ્યાના ટકોરે પરિણામ જોવા મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવાયું કે, માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.