અમદાવાદ : અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં 12 માં માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં છતનો ભાગ અચાનક ધરાશાયી થયો હોવાની ખબર સામે આવી રહી છે. હોસ્પિટલના 12મા માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલીંગના POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. જોકે આ દરમિયાન વોર્ડમાં કોઈ દર્દી ન હોવાના કારણે દુર્ઘટના થતા થતા ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ SVP હોસ્પિટલમાં 12 માં માળે ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં વચ્ચે લાગેલી POPની શીટ લગાવેલી છે, જે શીટ તૂટી પડી હતી. 5 જેટલી શીટ તૂટી છે. જો કે, જ્યાં દર્દીઓના બેડ છે, ત્યાં શીટ નથી પડી. ચાલવાનું પેસેજ છે ત્યાં શીટ તૂટી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
હાલમાં તો અમદાવાદમાં વરસાદ પણ નથી કે વાવાઝોડાના કારણે ભારે પવન પણ હજુ સુધી ફૂંકાયો નથી. તેમ છતાં હોસ્પિટલની છત ધરાશાયી થતા હોસ્પિટલમાં કરવામાં આવેલા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.