અમદાવાદ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી AMC તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારેથી અતિભારે વરસાદ પવન ના કારણે શહેરમાં પાણી ભરાવવાથી લઈ ઝાડ પડવા સહિતની સમસ્યાઓમાં નાગરિકોને પડતી હાલાકી અને સમસ્યાનો ત્વરિત નિકાલ થાય તેના માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. AMCના મોનસુન કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 9978355303 પર ફરિયાદો નોંધાવી શકશે.
AMC દ્વારા ચોમાસાની સીઝનમાં ભારે કે અતિ ભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, ભુવા પડવાના બ્રેક ડાઉન થવાના, રસ્તા બેસી જવાના, ભયજનક મકાનો પડી જવા, નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતા તેમજ ફાયર બ્રિગેડ સહિત કુલ 25 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.સમગ્ર શહેરમાં ચોમાસાને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદોના નિકાલ માટેની સંકલનની 24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચોમાસા દરમ્યાન નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એસ.ટી.પી. ખાતેથી નારીકેટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા સમ્પ ઉપર પંપો તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનોમાં, જુદા જુદા અન્ડર પાસમાં પંપો તેમજ વર્કશોપ ખાતાના નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ લો પ્રેશરના કારણે વહેલી ઉદ્ભવેલ વરસાદી પરિસ્થિતને પહોંચી વળવા 27 મેથી સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોનસૂન કંટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.