અમદાવાદ : ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા હોય છે. વિદેશ જવા માટે કેટલાક લોકો લાખો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. તો કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડી પણ થતી હોય છે.આવો જ એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે. એજન્ટે કેનેડાની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને બેન્કના મેનેજર પાસેથી રૂ.10 લાખ લઈ ઠગાઈ કરી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના નારણપુરામાં રહેતા એચડીએફસી બેન્કમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોક પટેલે ગ્રેસિયસ હોલિડે નામની ટ્રાવેલ કંપનીના માલિક નીરલ પરીખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અશોક પટેલને પત્ની સાથે ફેબ્રુઆરી-2023માં કેનેડા જવાનું હતું. તેમણે ગ્રિસિયલ હોલિડે ટૂરના માલિક નીરલ પાસે ટિકિટ બુક કરાવી હતી. તે વખતે નીરલે વાજબી ભાવે એર ટિકિટ બુક કરાવી આપી હતી, ત્યાર બાદ મૂકેશકુમારના પરિવારના સભ્યોને કેનેડા જવાનું હોવાથી તેમણે એક ટિકીટ 1.25 લાખમાં નક્કી કરવા માટે કહ્યું હતું. અશોક પટેલે નીરલ પાસે બે ટિકિટ નક્કી કરી હતી. આ ટિકીટના પૈસા પણ અશોક પટેલે ચૂકવી દીધા હતાં.
નીરલ અશોકને કન્ફર્મ ટિકિટ આપવાનું કહીને તેમની પાસેથી પૈસા મેળવી લીધા બાદ પોતાના ઘરને તાળું મારીને ફરાર થઇ ગયો હતો. આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે અન્ય લોકો સાથે પણ તેણે છેતરપિંડી કરી છે. અશોકે ઘાટલોડિયા પોલીસે સ્ટેશનમાં નીરલ સામે રૂ.10 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.