અમદાવાદ : શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘જયરાજ વાળા તેમને ફોન કરીને ધમકી આપી છે કે અગાઉના કેસમાં સમાધાન કરી લો નહિતર સારું નહીં થાય’. આ પ્રકારની ધમકી આપતા મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી મહિલા બે વર્ષ અગાઉ નિકોલ ખાતે રોયલ રીવેરા ફ્લેટ, દેવસ્ય સ્કુલની પાસે રહેતી હતી. તે વખતે તેમના મકાનની નીચે રહેતા અને ક્રૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજભાઇ સાથે મુલાકાત થયેલ હતી. ઘરનું ફર્નિચર જોવાના બહાને મહિલાને ઘરે આવ્યા હતા. અને ફર્નિચરવાળાનો નંબર માંગતા મહિલાએ નંબર આપ્યો હતો. જે બાદ બંન્ને ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. જોકે, જયરાજ શારિરીક સંબંધ બાંધવા અવાર-નવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ફરિયાદી મહિલા ઘર વેચી અન્ય સ્થળે રહેવા ગયા હતા.
આટલાથી ન રોકાતા આ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મહિલા બીજે રહેવા માટે ગઈ ત્યાં જઈને પણ મહિલાને હેરાન કરતો હતો અને ફોનમાં ધમકી આપતો હતો કે, અગાઉની ફરિયાદ પાછી ખેંચી લે અથવા તો સમધાન કરી લે. તેથી આખરે કંટાળીને મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.