અમદાવાદ : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સૌથી મોટો ગણી શકાય તેવો ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્યો સર્જાયા હતા તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઇસ્કોન બ્રિજ પર મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર બીજો ચોંકાવનારો બનાવ બન્યો હતો. પ્રથમ તો ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા અને લોકો અકસ્માત જોઈ રહ્યા હતા ત્યારે બીજી ઘટનામાં કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાંતથી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ ઉભો થયો છે.સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
મૃતકોના નામ
નિરવ – ચાંદલોડિયા
અક્ષય ચાવડા – બોટાદ
રોનક વિહલપરા – બોટાદ
ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
કૃણાલ કોડિયા – બોટાદ
અમન કચ્છી -સુરેન્દ્રનગર
અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર