અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ હવે પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ઓવરસ્પીડિંગ અને સ્ટંટ કરતાં ચાલકોને પકડી લેવા કવાયત શરૂ કરાઇ છે. આ તરફ હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકટ બનતા જાય છે. જેને લઈ હવે અમદાવાદ પોલીસ અને AMCએ સંયુક્ત ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં દબાણો અને પાર્કિંગને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં હવે પોલીસ અને AMCએ સંયુક્ત ડ્રાઈવ કરી પંચવટી વિસ્તારમાં દબાણો અને પાર્કિંગને લઈ કાર્યવાહી કરી હતી. જેમાં જાહેર માર્ગો પર આડેધડ વાહનપાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરી છે. ગેરકાયદે પાર્કિંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારાયો તો સ્થળ પર જ વાહનચાલકો પાસે દંડ વસૂલાયો હતો. આ તરફ હવે પોલીસ અને AMCને સહયોગ કરવા નાગરિકોને અપીલ કરાઇ છે.
આ અગાઉ ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ અભિયાન હેઠળ તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે પાર્ક કરેલાં વાહનને લોક માર્યાં હતાં. આમાં ગેરકાયદે પાર્ક થતી રિક્ષાઓને પણ દૂર કરાઈ હતી.-