ગાંધીનગર : રાજ્યના DGPએ પોલીસ સ્ટાફ માટે સોશિયલ મીડિયાની આચાર સંહિતા જાહેર કરી છે. જેમાં વર્દીમાં ફોટો કે વિડીયો બનાવ્યો તો કાર્યવાહી થશે. નોકરીના સમયે કે નોકરીના સમય સિવાય વર્દીમાં ફોટો કે વિડીયો બનાવવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં ફોટો કે વિડીયો પોસ્ટ કરવા નહિ. તમામ CP, SP, IG અને સેનાપતિને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. નોંધનીય છે કે, કેટલાક જવાનો રીલ્સ બનાવીને સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ કરે છે. કેટલાક જવાનો વર્ધીની માન મર્યાદા જાળવતા નથી. જે પોલીસકર્મીઓ ડ્રેસમા રીલ બનાવી વાયરલ કરશે તેની સામે પગલા લેવાશે.
રાજ્યના DGP વિકાસ સહાયે પોલીસ કર્મચારીઓ માટે પરિપત્ર બહાર જાહેર કર્યો છે. જેમાં કહેવાયુ છે કે પોલીસ અધિકારી/ કર્મચારીઓને સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ફરજ પર તથા ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ/ વીડિયો બનાવી તેને અલગ-અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે. જેથી હવે જો સૂચનાનું પાલન નહિ થાય તો ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.