ગાંધીનગર : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મળતા અહેવાલો અનુસાર, સેક્ટર-6 વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી પોલીસ નેમ પ્લેટવાળી કારે અકસ્માત સર્જેયો હતો અને એક મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે લોકોનું ટોળુ ઘટનાસ્થળે એકત્ર થઇ ગયું છે.
મળતા અહેવાલો અનુસાર, ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં ઘ રોડ પર તાર ફેન્સીંગ તોડીને પોલીસ નેમ પ્લેટવાળી કાર ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી. કારચાલકે એક મહિલાને ટક્કર મારી હતી. કાર ચાલકનું નામ દિલેર પરમાર છે. તેમજ આ કાર અમદાવાદ હાઇકોર્ટ ખાતે SRP ગ્રુપમાં ફરજ બજાવતા તેના સગાની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાની નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સર્જનાર યુવક નશામાં ધૂત હતો અને તેની પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ દારૂ અને અકસ્માત સર્જનાર યુવકને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.