અમદાવાદ : ગુજરાત રાજ્યના DGP દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં ઘણા પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે આવા જ રિલ્સના શોખીનો સામે પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે. જેમાં ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કરાયો છે.
મહત્વનું છે કે, DGPના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના સભ્યો માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતા 2023 બહાર પાડવામાં આવેલી હતી. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતાનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સોશિયલ મીડિયાના ઉપયોગ બાબત આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નહતો.
આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે સપાટો બોલાવ્યો છે. પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતા જાહેર કર્યા બાદ પણ પોલીસની વર્ધીમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવનાર સામે પગલા ભરવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 17 પોલીસ અધિકારી કર્મચારી સામે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. એક આચારસહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી. હવેથી વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.