અમદાવાદ : ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે. છોકરીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 6ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે તેના પિતા સાથે ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશ સોલંકીને ત્યાં ધોરણ 12ના ગ્રુપ ટ્યુશનમાં એડમિશન લીધું હતું. જેમાં ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હતો. ટ્યુશન બાબતે યુવતી તેના પિતા સાથે પ્રકાશ સોલંકીને ત્યાં મળવા માટે ગયેલ ત્યારે પ્રકાશે જણાવ્યું હતું કે, હું રેકી અને હિલિંગ કરું છું, જે શરીરના સાત ચક્રો જાગૃત કરે છે, ત્યારે તેણે યુવતીના માથા તેમજ ગળાના ભાગે હાથ મૂકી રેકી કરી હતી.
આ લંપટ શિક્ષકે અનેક વિદ્યાર્થિનીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાની આશંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક પ્રકાશ સોલંકીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપીના ટ્યુશન કલાસીસ અને આજુબાજુના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય વિદ્યાર્થિનીઓના નિવેદન લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.