અમદાવાદ : મંગળવારથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ગણેશ મંદિરમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે.અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક ઐતિહાસિક અને પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક જેવો જ આ ગણપતિ દાદાનો મહિમા છે.
ગણેશોત્સવ શરુ થતા ગણેશ મંદિરમાં વિશેષ પૂજા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.પેશ્વાકાળમાં આ બંધાયેલું આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે. જૂની બાંધણી મુજબ પહેલા આ મંદિર અંધારિયા ખંડ જેવું હતું. આ મંદિર ભોંયરામાં આવેલુ છે. અહીં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઇનો જોવા મળતી હોય છે.
અહીંના ગણપતિદાદાને પણ સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખવામાં આવે છે. આ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલુ છે. અહીં ભક્તો આસ્થા સાથે ગણપતિ દાદા સામે શિશ નમાવીને પોતાને ધન્ય અનુભવે છે.આ મંદિરની અનોખી વિશેષતા ધરાવે છે. અહીં બેઠેલા ગણપતિ જમણી સૂંઢ ધરાવે છે. એટલું જ નહીં રિદ્ધિસિદ્ધિ સાથે પણ તે બિરાજમાન છે. અહીં દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે.