અમદાવાદ : અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. જેના પગલે હોટલ અને રેસ્ટોરાંમાં જઈ પિઝા આરોગતા હોય છે. પરંતુ અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તાર બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જીવાત નીકળી હતી. આ મામલે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાં ગુરૂવારે બપોરે એક યુવક તેના મિત્રો સાથે પિઝા ખાવા માટે ગયો હતો. ત્યારે ઓર્ડર પ્રમાણે મંગાવેલા પિઝા આપવામાં આવ્યા હતા. જોકે, આ પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી જીવતા જીવાત નીકળ્યા હતા. યુવકે તાત્કાલિક આ અંગે સ્ટાફને જાણ કરી હતી.તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,. કારણ કે આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે, પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ એ કરવામાં આવતું નથી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઇસ પિઝા સેન્ટરમાં જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે પિઝામાંથી જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો છે. જેના પગલે કહી શકાયા કે, શેહરમાં અનેક હોટલ-રેસ્ટોરાં અને કાફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.