અમદાવાદ : અમદાવાદની રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ખાવાની ચીજવસ્તુઓમાંથી જીવાત અને અન્ય ચીજ વસ્તુઓ પણ નીકળતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે AMCના ફૂડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતા દુકાનોમાં ચેકિંગ અને નમૂના લેવાના આંકડાઓની માયાજાળ દર્શાવવામાં આવે છે. પરંતુ હકિકતમાં કોઈ નક્કર કામગીરી જણાતી નથી. શહેરમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોમાં તમામ ચીજવસ્તુઓ હાઇજેનિક જ મળતી હોય તેવી સ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે તેને લઈ ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 518 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યચીજોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મીઠાઈના 60, બેકરીમાં 2, મસાલા 6, અન્ય 55 મળી કુલ 123 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 299 નોટિસ આપી હતી. 671 કિલોગ્રામ અને 541 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 2.24 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 497 જેટલા લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 53 જેટલા તેલના ટીપીસી ચેક કર્યા હતા. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની દુકાનો, મીઠાઈની દુકાન, પાણીપુરીની દુકાનો આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં AMCને માત્ર મળેલી ફરિયાદોના આધારે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. AMCના ફૂડ વિભાગ દ્વારા જાતે ક્યાંય પણ ચેકિંગ કરી અને કામગીરી કરવામાં આવતી નથી.