અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને ચોરી કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષા ચાલક અને 3 મહિલાની ધરપકડ કરી છે.સોલા પોલીસે આ કેસમાં લેડીઝ ડ્રેસ અને રીક્ષા કબ્જે કરી લીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા પોલીસ દ્વારા ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને ચોરી મામલે 3 મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી છે.રિક્ષામાં લગાવેલા નંબરના સ્ટીકરથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. રિક્ષાનું નંબર પ્લેટ નકલી લગાવીને ચોર ટોળકી ચોરી કરવા આવી હતી.આ મહિલાઓએ આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. પોલીસે આ કેસમાં લેડીઝ ડ્રેસ અને રીક્ષા કબ્જે કરી લીધી છે.
પોલીસ સૂત્રો મુજબ, સોલા પોલીસની હદમાં આવતા ચાંદલોડિયા વિસ્તારમાં એક દુકાનમાંથી કપડાંની ચોરી થઈ હતી. આ કિસ્સામાં, જ્યારે નજીકમાં સ્થાપિત સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવ્યા હતા, ત્યારે એક ઓટો રિક્ષા શંકાસ્પદ હતી. તેના પર એક સ્ટીકર હતું,જેના આધારે ઓટોને ટ્રેસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ઓટો પર રજીસ્ટ્રેશન સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.
તેના આધારે હાથ ધરાયેલી તપાસમાં ઓટો માલિકની ઓળખ થઈ. તેણે કહ્યું કે તેણે ઓટો ભાડા પર ચલાવવા માટે આપી છે.જેના કારણે ભાડે રાખેલ ઓટોના ચાલક પર નજર રાખવામાં આવી હતી. ચાંદલોડિયા રેલવે ગરનાળા નજીકથી ઓટો પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. તેમાં ત્રણ મહિલા અને એક પુરુષ હતો.પંજાબી ડ્રેસ મટિરિયલ પણ ઓટોમાં હતું. પૂછપરછ દરમિયાન તેઓએ આ ડ્રેસ એક દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કુબેરનગર બંગલો એરિયા બી વોર્ડના રહેવાસી વિનેશ મીનકર (40), તેની પત્ની બબીતા (42), નરોડા વન મોલની સામેની ઝૂંપડપટ્ટીમાં રહેતી સુગના ગરાંગે (35)નો સમાવેશ થાય છે.કુબેરનગર પાણીની ટાંકી પાસે રહેતી સાયના ભોગેકર (21)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી એક ઓટો રિક્ષા અને પાંચ જોડી પંજાબી ડ્રેસ જપ્ત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આરોપી ત્રણ મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી. મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. પછી ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને એક જોડી ડ્રેસના બદલે બે જોડી ડ્રેસ લઈને જતી રહી હતી. પછી કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી.
બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો, ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ હતી. આ શંકાના આધારે દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેને લઈ સમગ્ર હકીકત સામે આવી હતી.


