અમદાવાદ : અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિર સંકુલમાંથી ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા છે. કુલ 844 કાયદેસર રીતે માન્ય લારીવાળા વિક્રેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશને ઢાલગરવાડમાં ખુલ્લી જગ્યાઓ આપી છે.જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભદ્ર પરિસરમાં બેસતા ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાનકોર નાકા નજીક અને ઢાલગરવાડમાં એમ બે જગ્યાએ તેઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો કે બંને પ્લોટમાં બેસવા માટે ફેરિયાઓને સમજાવવામાં આવ્યા છે અને વારંવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે છતાં પણ હજી સુધી તેઓ દ્વારા પ્લોટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી ફેરિયાઓને અને જાહેર જનતાને આ બાબતે જાણ થાય તેના માટે ભદ્ર પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સૂચના અંગેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના લાલદરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસે ભદ્ર પરિસર આવેલું છે ભદ્ર પરિસરમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકોને અવરજવરમાં તકલીફ પડતી હતી તે રીતે ફેરિયાઓ બેસતા હતા. આ ઉપરાંત કાયદેસરના ફેરિયાઓની સાથે ગેરકાયદે રીતે પણ કેટલાક એરિયાઓ બેસી જતા હતા જેના કારણે આખું ભદ્ર પરિસર ફેરિયાઓથી ઉભરાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. લોકો ત્યાંથી વાહન લઈને નીકળી શકતા નહોતા એવી રીતે ફેરિયાઓએ ત્યાં ગેરકાયદે દબાણ કરી લીધું હતું.


