અમદાવાદ : દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે અનોખો શોખ ધરાવતા હોય છે. એમાંથી એક વાત કરીયે તો એક કપલે દેશ વિદેશમાંથી ગણેશજીની 200 કરતાં પણ વધારે મૂર્તિઓનું અનોખું કલેક્શન કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે ગુજરાતી દંપતી નિલેશ કાવા અને પરિતા કાવાએ ભગવાન ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન કરવાની શરૂઆત આશરે 26 વર્ષ પૂર્વે ગેટવે ઑફ ઈન્ડિયાથી કરી હતી. તેમના આ કલેક્શનમાં આજે 200 કરતાં પણ વધારે મૂર્તિઓનો સંગ્રહ છે. તેમનો પરિવાર ભગવાન ગણેશજીને પોતાના સખા માને છે. જે ઘરના વિવિધ સ્થળોએ તેમની સાથે રહે છે.
ભગવાન ગણેશજીની આ મૂર્તિઓ પોર્સેલિન (ચિનાઇ માટી), લાકડું, કાચ, સિરામિક, નારિયેળ, પથ્થરો સહિતની વિવિધ વસ્તુઓથી બનેલી છે. આ વિશે વાત કરતાં પરિતા કાવાએ કહ્યું કે, ભલે અમે ગણેશને ચાહીએ છીએ પણ અમે મૂર્તિની જાળવણી સાથે જોડાયેલી પરંપરાગત વિધિઓનું પાલન કરતા નથી. અમે ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન પણ ગણેશજી લાવીએ છીએ. પરંતુ અમે એવી મૂર્તિ લાવીએ છીએ. જે કાં તો માટીની હોય અથવા વિસર્જન પછી તેને ફરી લાવીને મૂકી દઈએ. અમે લગ્ન કર્યા એ પહેલા જ હું અને નિલેશ ગણેશનો સંગ્રહ કરતા હતા.
નિલેશ અને પરિતાએ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશોની મુસાફરી દરમિયાન તેઓ કલાત્મક સંસ્કૃતિને દર્શાવતી સૌંદર્યલક્ષી ગણેશની મૂર્તિઓ શોધી રહ્યા છે. તેમને ગણેશજીના બનાવેલા કેટલાક પોર્સેલિન પણ મળ્યા છે, જે કદાચ એન્ટિક પણ હોય શકે છે. આ બંને મુસાફરી દરમિયાન સતત સર્જનાત્મક ગણેશજીની શોધમાં હોય છે. છેલ્લા 26 વર્ષમાં 200થી પણ વધારે યુનિક ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરી ચૂક્યા છે.