ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અદભુત શણગારને નિહાળી સૌ કોઈ લોકો અભિભુત થઈ ગયા હતા. ગાંધીનગર ખાતે છેલ્લા 32 વર્ષથી દીપોત્સવ થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે આજે દસ હજાર જેટલા દીવડાઓથી દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે. તો એકસાથે પ્રગટાવેલા 10,000 દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે. 1992માં ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અક્ષરધામ મંદિરમાં દર દિવાળીના તહેવારો દરમિયાન 10,000 જેટલા દીવડા કરવામાં આવે છે . ત્યારે સતત 32 વર્ષથી આ પરંપરા અક્ષરધામ મંદિરમાં ચાલતી આવી છે, અને આ વર્ષે પણ 10,000થી વધુ દીવડા અને અક્ષરધામ મંદિરના ગાર્ડનને પણ ગ્લો ગાર્ડન તરીકેની થીમ સાથે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.
અક્ષરધામ મંદિર દર સોમવારે વહીવટી કારણોસર બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અક્ષરધામ મંદિર સોમવારે પણ કાર્યરત રાખવામાં આવશે અને અક્ષરધામ મંદિરના તમામ વિભાગો કાર્યાલયો અને મંદિર દર્શન માટે ખુલ્લું રખાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના આસપાસના હજારોની સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન દર્શન માટે આવતા હોય છે, ત્યારે 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી દર્શનાર્થીઓને 10000 દીવડાનો અને ગ્લો ગાર્ડનનો નયનરમ્ય નજારો માણી શકશે.