ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે ગુજરાત સરકારે દર મહીને રુપિયા 10 લાખની આવક જતી કરી છે, જે પે એન્ડ યુઝ ટોયલેટ થી રાજ્ય સરકારને મળી છે. આ માટે ગુજરાતના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે.
તો આ સાથે જ દર મહિને નવી 200 બસો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મહિનામાં કુલ 2 હજાર નવી બસો લોકોની સુવિધા માટે મૂકાશે. 400થી વધુ નવા કનેક્શન 24 કલાકમાં ચાલુ થઈ શકશે. બસ સ્ટેન્ડ પર 24 કલાક સફાઈકર્મી હાજર રહેશે, 75 ટકાથી વધુ બસોની અવરજવર ધરાવતા મહાનગરોમાં સફાઈકર્મી હાજર રહેશે. 262 બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની એસટી બસમાં લાખો લોકો મુસાફરી કરે છે, ગુજરાતના 125 બસ સ્ટેન્ડ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં 550 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાન માં જોડાયા છે. ગુજરાત STએ આ બધા સાથે મળી સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરી છે. લક્ઝરી બસ કરતા વધુ સારી કંઈ રીતે ST બસ સેવા બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.