અમદાવાદ : શહેરમાં હવે જો તમે કોઈ ખાવાની ચીજવસ્તુઓ બહાર ખાવા જતા હોય તો 10 વખત વિચારીને ખાજો કારણકે પણ હોટલ અને રેસ્ટોરન્ટ અથવા દુકાનમાંથી લીધેલી ચીજ વસ્તુઓ હવે ભેળસેળ વિનાની મળી રહી નથી. મણિનગર વિસ્તારમાં આવેલા ઘી ગુડ રેસ્ટોરન્ટમાંથી વેજ મન્ચુરિયન અને અમરાઈવાડી સ્વસ્તિક ક્રોસ રોડ પાસે આવેલા નેશનલ હેન્ડલુમમાંથી ભૂંગળાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યાં છે. તાજેતરમાં જ ઘી ગુડ રેસ્ટોરન્ટમાં સિંગ સલાડમાંથી ઈયળ નીકળી હતી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે મણિનગરની આ રેસ્ટોરન્ટમાંથી સબ સ્ટાન્ડર્ડ ખાવાનું મળી આવતા હવે બહારની આ રેસ્ટોરન્ટ માંથી ખાતા લોકોએ વિચાર કરવો પડશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 12 દિવસમાં 738 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 19 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મીઠાઈના 21, દૂધના 14, નમકીનના 15, બેકરી પ્રોડક્ટસના 03, પનીર-બટરના 02, ખાદ્યતેલના 03, અન્ય 110 મળી કુલ 214 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.છેલ્લા 12 દિવસમાં 738 જગ્યાએ ચેકિંગ દરમિયાન 286 નોટિસ આપી હતી. 718 કિલોગ્રામ અને 712 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 5.68 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 855 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 222 જેટલા તેલના ટીપીસી ચેક કર્યા હતા. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની દુકાનો, મીઠાઈની દુકાન, પાણીપુરીની દુકાનો આગામી સમયમાં ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ભેળસેળવાળી ચીજ વસ્તુઓ દુકાનદારો દ્વારા વેચાણ અને ખાવાનું આપવામાં આવતું હોય છે જેના પગલે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે આગામી સમયમાં ચાલુ રહેશે એવું મ્યુ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે.