અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલીસીમાં હજુ ઘણીય ખામીઓ છે, જેનું મુખ્ય કારણ પોલીસીમાં કુલ ૭૫ ટકા લોકોની સહમતી માંગવામાં આવી છે, જે પછી ખાનગી સોસાયટીઓ હોય કે પછી હાઉસીંગ બોર્ડની કોલોનીઓ હોય…
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખાનગી અને હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ અત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે, જેમાં મોટાભાગની સોસાયટીઓમાં બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે કારણ કે રિડેવલમેન્ટ પછી મકાનધારકને જુની જ જગ્યાએ નવુ અને આધુનિક સુવિધાઓ વાળુ નવુ મકાન મળી રહ્યું છે.અને રિડેવલપમેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે જર્જરીત બાંધકામો ગમે ત્યારે સ્લેબ તૂટે, ટાંકી તૂટે એવા ભયમાં લોકો જીવી રહ્યા છે ત્યારે રિડેવલપમેન્ટ એક માત્ર ઉકેલ છે તમારા જાનમાલનું રક્ષણ કરવાનું.
સૌ પ્રથમ ખાનગી સોસાયટીઓની વાત કરીએ તો રિડેવલપમેન્ટની કરવાની સૌથી મોટી જવાબદારી સોસાયટીના એસોસિયેશનના માથે હોય છે, પરંતુ મોટાભાગની સોસાયટી જર્જરીત હોવા છતાં અને સોસાયટીના બહુમત સભ્યો ઈચ્છતા હોવા છતાં કેટલાંક એસોસિયેશન હોદ્દેદારો સભ્યો કે બે ચાર લોકો વ્યક્તિગત સ્વાર્થમાં જરુરિયાતમંદ લોકોની તકલીફોને સમજતા નથી અને રિડેવલોપમેન્ટ કામમાં વિરોધ કરી રોડા નાખતા હોય છે. વર્તમાન સમયમાં આ પ્રશ્ન અનેક ખાનગી સોસાયટીઓમાં જોવા મળી રહ્યો છે, જેનો એક માત્ર ઈલાજ છે કે જો સોસાયટીનો મોટો હિસ્સો જર્જરીત હોય અને બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો આવા એસોેેેેસિયેશન કે આવા સભ્યોને દુર કરી દેવા જરૂરી બની જાય છે. કારણ કે જર્જરીત ભયજનક સોસાયટીનું રિડેવલોપમેન્ટ કરવું જરૂરી છે. બહુમત લોકોની જરૂરિયાત નવા મકાન થકી પોતાના પરિવારની સુરક્ષા અને સુખાકારી જ હોય છે.
હવે હાઉસીંગ બોર્ડની સોસાયટીની વાત કરીએ તો અનેક જગ્યાએ ઉપરોક્ત પ્રશ્ન કે સમસ્યા જોવા મળી રહી છે.કારણ કે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ ખૂબ જ જર્જરીત છે, એમાંય કેટલીક તો બોર્ડ અને મ્યુ કોર્પોરેશન દ્વારા જાહેર પણ કરાયેલ છે છતાં સ્થાનિક એસોસિયેશન અથવા કેટલાંક જૂજ સભ્યો અંગત સ્વાર્થ, ખોટી માંગણીઓ દ્વારા રિડેવલપમેન્ટનો યેનકેન પ્રકારે વિરોધ કરી રહ્યા છે.
હાઉસીંગ બોર્ડની સોસાયટીઓમાં એમાંય ખાસ કરીને જે જર્જરીત જાહેર કરી છે એવી સોસાયટીઓએ વેળાસરથી રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું જોઈએ, જો કોઈ સભ્ય કે એસોસિયેશન વિરોધ કરે તો હાઉસીંગ બોર્ડમાં ફરીયાદ કરવી જોઈએ.
આમ કુલ મળીને એક વાત ચોક્કસ કરી શકાય કે ખાનગી હોય કે હાઉસીંગ સોસાયટી, અનેક જગ્યાએ બહુમત સભ્યો જરુરિયાત હોવા છતાં તકલીફો ભોગવે છે, માનસિક ડર કે સંબંધો બગડશે તેવા વિચારો સાથે વિરોધ કરનારા સામે બાંયો ચડાવતા નથી, જેથી વિરોધીઓની હિંમત વધે છે કે બાકીના તો નબળા છે ને. દરેક ઘરના મોભી પુરુષ તથા સ્ત્રી એ પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ નિર્ણયો લેવા જોઈએ.
ખાસ કરીને સ્ત્રીઓ કે જે બાળકો અને વડીલો સાથે ઘરમાં વધુ સમય પસાર કરતી હોય છે અને તેમની સુખાકારી માટે વધુ ચિંતિત રહેતી હોય છે. માટે રિડેવલોપમેન્ટ જેવા નિર્ણય બાબતે ઘરની મહિલાઓના વિચારોને જાણવા અને મહત્વ આપવું જોઈએ. મહિલાઓએ પણ રિડેવલપમેન્ટ જેવા વિષયે યથાશક્તિ યોગદાન ઘરના નિર્ણયો અને સોસાયટી નિર્ણયોમાં રસ કેળવી સકારાત્મક પરિણામ લાવવા માટે આગળ આવવું જોઈએ.
નીચેના અમુક પ્રશ્નો દરેક ઘરના મોભીએ પોતાની જાતને પૂછવા અને વિચારવું ત્યારબાદ જે જરૂરી લાગે તે માટે કાર્યશીલ નીડર બનીને થવું.
-કોઈ અન્યની સ્વાર્થવૃતી, નકારાત્મકતા કે લાલચમાં આપણા ઘરમાં શું કામ નુકશાન થવા દેવાનું?
-કોઈ અન્યની લાલચ કે સ્વાર્થમાં આપણા પરિવારને જાણી જોઈ અકસ્માતના ભયમાં શું કામ રાખવાનો?
-મારા ઘરે જાનમાલનું નુકશાન થશે તો કોઈ અન્ય આપણને આપી જવાનું નથી, તો શા માટે બહારના કોઈના કારણે આપણે તકલીફ ભોગવીએ?
-મારી સમસ્યામાંથી બહાર આવવા અને પરિસ્થિતિ બદલાવ માટે પ્રયાસ કે લડત કોણે લડવી પડશે?
-મારી ચુપ્પી કે ડર મારા પરિવાર માટે ફાયદાકારક છે?
-દરેક વ્યક્તિએ પોતાની લડત જાતે જ લડવી પડે છે.
સાથે સાથે અમે એ પણ કહી રહ્યાં છીએ કે જે જે સોસાયટીઓ જર્જરીત નથી અથવા ખૂબ ઓછી જર્જરીત છે અથવા રીપેરીંગ કરાવી પ્રશ્નનું નિકાલ કરાવી શકાય છે અથવા બહુમત સભ્યો રિડેવલમેન્ટની તરફેણમાં નથી, કે વિરોધ ધરાવે છે તો આવી સોસાયટીઓએ રિડેવલપમેન્ટ સિવાયના અન્ય વિકલ્પો વિશે વિચારવું રહ્યું.